ભેદી ભવિષ્યવાણીઓ – વિનય દવે

અમને એવો ખાતરીપૂર્વકનો ભ્રમ છે કે અમને જ્યોતિષશાસ્ત્રનું અગાધ જ્ઞાન છે. અમારી દિમાગ વગરની ખાલી ખોપડીમાં એવી માન્યતા દૃઢપણે ઘર કરી ગઈ છે કે અમને ભવિષ્યકથન કરતાં આવડે છે. અમારા આવા તદ્દન ખોટા ખ્યાલોના કારણે અમે ‘ભ્રમિત અવસ્થામાં’ વારેવારે ભવિષ્યવાણીઓ કરતા રહીએ છીએ. અમારાં ‘ફ્યૂચર પ્રિડિક્શન્સ’ ખોટા પડવાના કારણે અમે ઘણી વાર ‘હાંસીનું પાત્ર’ પણ બન્યા છીએ. લોકોએ અમારી સાથે ‘ટપલી દાવ’, પણ કર્યો છે, પણ તે છતાંયે અમે અમારા ભ્રમને પોષવાનું ચાલુ જ રાખ્યું છે અને અમે સતત ભવિષ્યકથનો કરતાં જ રહીએ છીએ.

 

આ થોડા જ દિવસોમાં વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થવાનું છે. ત્યારે ‘મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી હૈ’ એવું વિચારી અમે ફરી એક વાર ‘ભેદી ભવિષ્યવાણી’ કરવા જઈ રહ્યા છીએ. આ વખતની અમારી ભવિષ્યવાણી રાશિ મુજબ કે જન્મ તારીખ મુજબની નથી. સમગ્ર વિશ્વના જ્યોતિષના ઇતિહાસમાં કોઈએ ક્યારેય ન કર્યું હોય એવું કામ અમે કરવા જઈ રહ્યા છીએ. અમે આ વખતે વ્યવસાયના આધારે ભવિષ્ય કથન કરવાના છીએ. તો ચાલો જોઈ લઈએ જુદા જુદા વ્યવસાયના લોકો માટે આવનારું વર્ષ કેવું જશે!


}બસ કંડક્ટર : બસ કંડક્ટર તરીકે કામ કરનારા જાતકો માટે આવનારું વર્ષ ખૂબ પ્રવાસ કરાવનારું બની રહે. એમણે લગભગ દરરોજ એક જગ્યાએથી બીજી જગ્યા, આમથી તેમ ફર્યા કરવું પડશે. પોષ મહિનામાં પ્રવાસીઓ સાથે તકરારના બનાવો બનવાની વકી છે. વર્ષના મધ્યભાગમાં પ્રવાસીઓનું ભાડું પોતાના ખિસ્સામાં સેરવી લેવાના આરોપ લાગવાના યોગ છે. કુંવારા કંડક્ટકરોને બસમાં બેઠેલી યુવતી સાથે પ્રેમ થવાની સંભાવના છે. ડ્રાઇવર સાથેના સંબંધો સતત તણાવભર્યા રહે એવું પણ દેખાઈ રહ્યું છે. શારીરિક સુખાકારી અને ચાલુ બસે બેલેન્સ જળવાઈ રહે, એને માટે જમણો પગ નૈઋત્ય દિશામાં અને ડાબો પગ વાયવ્ય દિશામાં રાખી બસમાં ઊભા રહેવાથી ફાયદો થશે.


}પાનના ગલ્લાવાળા : પાનનો ગલ્લો ચલાવનારા જાતકો માટે આવનારું વર્ષ એકસો વીસ ટકા લવલી જવાનું છે. ગલ્લો એમને રૂપિયાનો દલ્લો કમાવી આપશે અને એમને ‘નવરતન’ પ્રાપ્ત થશે. એમને ચૂનો લગાડવાની કોશિશ કરનારાના ઇરાદાઓના ટુકડા ટુકડા થઈ જશે. બનારસી અને કલકત્તી માણસોથી એમને ખૂબ ફાયદો થશે. બારે મહિના એ મસ્તીના મસાલાની મોજ માણશે. ડેન્ટિસ્ટ એસોસિયેશન દ્વારા ‘બેસ્ટ કસ્ટમર સપ્લાયર’નો એવોર્ડ પણ મળશે, પરંતુ વર્ષના અંતમાં લોકોના દાંતને નુકસાન પહોંચાડવાના ગુનામાં ભાગીદાર હોવાના કારણે એમના બધા દાંત પડી જશે અને એમણે ‘મોંઘા માંહ્યલું’ ચોકઠું કરાવવું પડશે. 


}પસ્તી, પેપર, ભંગારવાળા : આ વર્ષ પસ્તી પેપર અને રદ્દી તેમજ ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પરિણામ આપશે. છાપાંઓમાં કૂપન ચોંટાડી ભેટ મેળવવાની સ્કીમમાં ગિફ્ટની ક્વોલિટીમાં સુધારો આવશે અને એટલે લોકો ડબલ છાપાં ખરીદવા માંડશે. જેને લીધે આ વ્યવસાયના જાતકોને ‘પસ્તીમાંથી મસ્તી મળશે.’ જૂના ભંગારમાંથી કીમતી વસ્તુ મળી આવવાના પણ યોગ છે. વર્ષના મધ્યભાગમાં ચૂંટણીઓ આવવાથી ભંગારના ભાવમાં ખૂબ ઉતાર-ચડાવ આવશે, જેને લીધે ગ્રાહકો સાથે તકરાર થવાના ચાન્સીસ છે. વધારે આર્થિક લાભ માટે ભેગી કરેલી પસ્તી પાસે દરરોજ દિવેલમાં ઊભી વાટનો દીવો કરવો, પણ દીવો પસ્તીથી મિનિમમ ત્રણ ફૂટ દૂર મૂકવો, નહીંતર ભડકાથી નુકસાન જાય તેવા યોગ છે.


}પાણીપૂરીવાળા ભૈયા : પાણીપૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા જાતકો માટે આવનારું વર્ષ થોડું ચટપટું થોડું અટપટું રહેશે. વર્ષની શરૂઆતમાં પૂરીઓ ફૂટેલી અને હવાયેલી આવવાથી ગ્રાહકો સાથે ઉગ્ર દલીલો થાય તેવી વકી છે. વર્ષના મધ્યભાગમાં બટાકાની ક્વોલિટી બગડવાથી પૂરીમાં ભરવા બનાવેલી ‘લુગદી’ સતત એકવીસ દિવસ રોજ સાંજે ‘ઊતરી’ જશે, પરંતુ ચણા અને ચટાકેદાર પાણી ‘લાજ’ બચાવશે. ઉનાળાના સમયે પાણીની સમસ્યા સર્જાવાથી સરકાર દ્વારા પાણી બચાવવા માટે પાણીપૂરીની લારીઓ પર પ્રતિબંધ મુકાય તેવા ગ્રહો છે, પણ વર્ષના અંતમાં નોરતાં વખતે ધંધામાં તેજી આવશે. દબાણ ખસેડવાવાળા લારી ઉપાડી જાય તેવી પણ સંભાવના છે. આવી પરિસ્થિતિથી બચવા દરરોજ કાળા રંગના કૂતરાને દહીંપૂરી ખવડાવો. કૃપા બરસેગી.


}ટેલિમાર્કેટિંગવાળી બહેનો : આ ટેલિમાર્કેટિંગનું કામ કરનારી યાને કી ફોન કરી વસ્તુઓ વેચનારી બહેનો માટે આવનારું વર્ષ ‘વાતોનાં વડાં’ કરાવનારું જશે. લોકોને ફોન કરી કરીને એમના મગજની નસો એવી ખેંચાઈ જશે કે એ પોતાનો નંબર પણ ભૂલી જશે. ફોન પર વાતો કરવાની આદતના કારણે એ સામસામે બેસીને વાત જ નહીં કરી શકે. સામે જ બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવા એ ફોન જોડશે. સતત બોલ બોલ કરવાના કારણે એમના ગળાની પિન ઘસાઈ જશે. આ વ્યવસાય સાથે જોડાયેલી કુંવારી બહેનોને ટેલિમાર્કેટિંગના ગ્રાહક સાથે પ્રેમ થવાના યોગ છે, પરંતુ માત્ર અવાજ સાંભળી પ્રેમમાં પડ્યા પછી રૂબરૂ મળ્યા બાદ આવા ‘ટેલિપ્રેમ’ના ભંગ થવાના પણ યોગ છે. ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને સમજાવવા (એટલે કે લપટાવવા) અઘરું કામ છે, પરંતુ દરેક કોલની શરૂઆતમાં જો ‘હેલો’ની જગ્યાએ ‘યલો’ બોલવામાં આવશે તો જરૂર ફાયદો થશે.


હે સુજ્ઞ વાચકો! અમે અમારી (કુ)બુદ્ધિ અનુસાર અમને જેવાં સૂઝ્યાં એવાં પ્રિડિક્શન્સ કરી નાખ્યાં છે. આ વાંચ્યા પછી એને સાચાં માનવાં કે નહીં એ તમે જ નક્કી કરી લેજો. ચાલો, તો મળીએ આવતા વર્ષે. સાલ મુબારક, ઇન એડવાન્સ.

– Vinay Dave ©

Published by

Vinay Dave Writer

I am a writer,lyricist, poet and a columnist.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s