સાયકલ મારી સરરર જાય..- વિનય દવે

​દિવ્યભાસ્કર- કળશ પૂર્તિ
લા’ફટર – વિનય દવે

“સાઇકલ મારી સરરર જાય…”

દુનિયાના મોટાભાગના લોકો યાને કિ લગભગ બધી જ વ્યક્તિઓનું પહેલું વાહન, ફર્સ્ટ વ્હીકલ તો સાઇકલ જ હોય છે. ભદ્રંભદ્રીય ગુજરાતી ભાષામાં જેને ‘દ્વિચક્રીય પરિવહન યંત્ર’, બ્રિટિશ અંગ્રેજીમાં જેને ‘બાયસિકલ’ અને આપણી હિન્દી ભાષામાં જેને ‘સાઇકિલ’ કહે છે તે સાઇકલ જગતના 99.999% લોકો માટે જિંદગીમાં સૌથી પહેલું ચલાવેલું વાહન હોય જ છે. મોટા થઈને ગમે તેટલી મોંઘીદાટ ગાડીઓ ફેરવતા હોવ, લાખો રૂપિયાનાં ‘ફટફટિયાં’ લઈને ફરતા હોવ કે પછી પ્રાઇવેટ પ્લેન ઉડાડતા હોવ, પણ તમારી ‘વાહનચાલક’ તરીકેની કારકિર્દીની શરૂઆત તો તમે સાઇકલસવાર તરીકે જ કરી હશે. સાઇકલ એ રોડપતિ કે કરોડપતિ દરેકના જીવન સાથે જોડાયેલી હોય જ છે. સાઇકલ એ દરેકના જીવનના અભિન્ન અંગ તરીકે જોડાયેલી હોવાથી એની સાથે રોચક, મનોરંજક, રમૂજી પ્રસંગો પણ જોડાયેલા હોય છે, જે આપણને બધાયને જિંદગીભર યાદ રહી જતા હોય છે. તો ચાલો, આજે ‘સાઇકલ મારી સરરર જાય… ટીન ટીન ટોકરી વગાડતી જાય…’ એ ગીત ગાતાં ગાતાં સાઇકલ પર બેસી ભૂતકાળમાં સરી જઈએ.

સાઇકલ ચલાવવાના પ્રસંગોમાં સૌથી વધારે કોમેડી પ્રસંગો સાઇકલ ચલાવતા શીખતા હોઈએ ત્યારે બનતા હોય છે. સૌથી પહેલાં તો સાઇકલ પર બેસી એને ‘ચાલુ’ કેવી રીતે કરવી એ જ સમજાતું નથી. સીટ પર બેસી બંને પગ જમીન પર ટેકવી રાખો તો સાઇકલ ‘ટટ્ટાર’ ઊભી રહે, પણ જેવા પગ ઊંચા કરી એને પેડલ પર ગોઠવો એવું બેલેન્સ જાય અને નીચે પડે. એટલે સાઇકલ શીખવાની શરૂઆતમાં કોઈક ‘ટેકેદાર’ની મદદ ચોક્કસ લેવી જ પડે છે. એ ટેકો આપનાર આપણી ‘સાઇકલ સરકાર’ને ટકાવી રાખે છે અને આગળ ‘ધપાવી’ આપે છે. સાઇકલની સીટ ઉપર ગોઠવાઈએ એટલે એ ટેકેદાર ધક્કો મારી સાઇકલ સ્ટાર્ટ કરી આપે છે. આપણને મોટે મોટેથી ‘પેંડલ માર… પેંડલ માર…’ એવું કહેવા માંડે છે. (દુનિયાના મોટાભાગના લોકો સાઇકલના ‘પેડલ’ને ‘સેન્ડલ’ની બહેન અને ‘ગોંડલ’ના ભત્રીજાની જેમ ‘પેન્ડલ’ કહેતા હોય છે, જે તદ્દન ખોટો ઉચ્ચાર છે.) ટેકેદારની રાડારાડી સાંભળી આપણે ફટાફટ ‘પગ’ ચલાવવા માંડીએ છીએ. સાઇકલ આગળ વધવા માંડે છે. ટેકેદાર ટેકો આપતો સાથ દોડવા માંડે છે. સાઇકલની ગતિ વધવા માંડે છે. આપણું બેલેન્સ આવવા માંડે છે. હવે આપણો ટેકેદાર આપણો સાથ છોડવા માંડે છે. આપણે એના સપોર્ટ વગર ‘પગભર’ યાને કિ ‘સાઇકલ ભર’ થવા માંડીએ છીએ અને પછી એક તબક્કે ટેકેદાર આપણને પૂરેપૂરા છોડી દે છે. ‘છૂટો દોર’ મળતાં આપણે ‘નયા દૌર’માં સ્વાવલંબી બની જાતે, પોતે, એકલા સાઇકલ ચલાવવા માંડીએ છીએ અને પછી આપણી સાઇકલ ‘હવા સે બાતેં કરતી હુઈ’ સરરર… સરકવા માંડે છે.

પણ, કિન્તુ, પરંતુ, લેકિન આ બધું વાંચવામાં જેટલું સહેલું લાગે છે એટલું સહેલું હોતું નથી હોં મારા વા’લા. સાઇકલ સલાવતાં શીખવું એ ‘ગેબી’ રીતે અઘરું કામ છે અને એમાં ઘણા દિવસો લાગી જતા હોય છે. સૌથી પહેલાં તો સપોર્ટ આપી સાથ નિભાવનાર ટેકેદાર બજારમાં ‘ઉપલબ્ધ’ નથી હોતા. સાઇકલ પકડી સાથે દોડ્યા કરવું એ ‘મહેનત માગી લે એવું’ અઘરું કામ છે અને જ્યારે આવો ટેકેદાર મળે ત્યારે સાઇકલસવાર અને ટેકેદાર વચ્ચે ‘તાલમેલ’ ગોઠવાતો નથી. ટેકેદાર શીખવતી વખતે બૂમાબૂમ કરે ત્યારે ‘કચ્ચા ખેલાડી’ જેવો સાઇકલસવાર ‘રાગ ગભરાટ’ ગાવા માંડે છે અને રઘવાટમાં સામો બકવાટ કરી ગમે ત્યાં સાઇકલ ‘ઠોકી’ દેતો હોય છે. મારા બે ભાણિયાઓનો કિસ્સો કમાલનો છે. દસ વર્ષના મારા નાના ભાણિયાને સાઇકલ શીખવી હતી. બાર વર્ષના મારા મોટા ભાણિયાએ એ બીડું ઝડપી લીધું. (કેમ કે મોટાને સાઇકલ ચલાવતા આવડતી’તી) બડા ભાંજા અને છોટા ભાંજા સાઇકલ લઈ રસ્તે ધસી ગયા. એમના ઘર પાસે સહેજ ઢાળ જેવું હતું ત્યાં ‘છોટે’ને સાઇકલ પર બેસાડી ‘બડે’ ટેકો આપી સાઇકલ શીખવતો’તો.’ ‘છોટે’ને થોડું થોડું બેલેન્સ આવવા માંડ્યું એટલે ‘બડે’એ સાથે દોડતાં દોડતાં સાઇકલ છોડી દીધી અને પછી ઢાળ પર દોડતો એ સાઇકલની આગળ જતો રહ્યો.
 
‘નાના ભાણા’એ પોતાના ‘સપોર્ટર’ને આગળ વધી ગયેલો જોયો એટલે એ છળી મર્યો. પોતાને હવે કોઈનો ટેકો નથી એવી જાણ થતાં ‘નાનકો’ ભડક્યો અને પછી એણે મારાં મોટાં બહેનને યાદ કરી ‘મમ્મીઈ ઈ ઈ…’ આવી ડાર્ક બ્લેક કલરની ચીસ નાખી અને પછી સાઇકલ છોડી અને બંને હાથ અંગ્રેજીને ‘વી’ આકારમાં ઊંચા કર્યા. પેડલવાળા પગ છોડી ઊંધા ‘વી’ની જેમ પગ પહોળા કરી દીધા. અસવારે પોતાના ઉપરનો અંકુશ છોડી દીધો છે એનું જ્ઞાન થતાં સાઇકલ નિરંકુશ બની ગઈ અને પોતાનો ટેકો છોડી દેનારા ‘મોટા ભાણા’ તરફ ખિજવાઈને ધસી ગઈ. એના બે પગ વચ્ચે ઘૂસી ગઈ અને મારા વ્હાલા ભાણિયા ‘ઊંધે કાંધ’ નીચે એકબીજા ઉપર પડ્યા અને સાઇકલ એમની ઉપર પડી.મારો પોતાનો જ કિસ્સો કહું તો મારા મામાના દીકરા દીપેને સાથે દોડી દોડીને મને સાઇકલ ચલાવતા શિખવાડી હતી. મારું બેલેન્સ પણ ગોઠવાઈ ગયું હતું અને સાઇકલ પણ બરાબર ચાલતી’તી, પણ મારો એક જ પ્રોબ્લેમ હતો. મને સાઇકલ રોકી અને ઊતરતાં નહોતું આવડતું અને જો એવું કરવા જાઉં તો હું સાઇકલ સહિત નીચે પડી જતો’તો. આના ઉપાય તરીકે દીપેને આઇડિયા કરેલો.
 
હું જ્યારે આંટો મારીને આવું ત્યારે થોડું સાથે દોડી, સાઇકલ પકડી, એને રોકી મને નીચે ઉતારી દેતો’તો, પણ એક વાર ‘સોલ્લિડ લોચો’ પડેલો. હું આંટો મારીને આવ્યો ને જોયું તો દીપેન ઉર્ફે ‘દીપડો’ ક્યાંક ગુમ થઈ ગયેલો. મારે ઊતરવું હતું, પણ ઉતરાય એમ નહોતું. એટલે મેં સાઇકલ ચલાવવાનું જારી રાખ્યું. હવે શું કરવું એ હું વિચારતો’તો જ ત્યાં સામેથી બકરીઓનું ‘ધણ’ ધસી આવ્યું. હું સાઇકલ રોકી ના શક્યો અને બકરીનાં ટોળાં વચ્ચે જઈ ‘ભફાંગ’ કરીને ખાબક્યો. બકરીઓએ મને અને સાઇકલને કૂદી કૂદીને ઢીંકો મારી’તી. મારા એક મિત્રએ સાઇકલ શીખતી વખતે પોલીસને પછાડી દીધેલો પછી તો ‘કાયદાએ કાયદાનું કામ’ કરેલું અને એને ‘કડી સે કડી’ સજા થયેલી. સાઇકલ શીખતી વખતે એક વાત બધાએ નોંધી હશે કે એ વખતે સાઇકલ જ્યાં ન લઈ જવાનું નક્કી કરીએ એ તરફ જ ચોક્કસ એ ધસી જતી હોય છે. આ લેખમાં પણ એવું થયું છે. સાઇકલનો આ લેખ પૂરો નહોતો કરવો, પણ પૂરો કરવો પડે છે, પણ હા, સાઇકલની ‘સરસરતી વાતો’ આપણે આગળ વધારીશું જ, પણ અત્યારે તો એને ‘બ્રેક’ મારીએ. સી યુ નેકસ્ટ વીક વિથ સાઇકલ… 

©Vinay Dave

Writer LA’FATAR

Kalash Poorti, Divya Bhaskar

Published by

Vinay Dave Writer

I am a writer,lyricist, poet and a columnist.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s