*કળશ – દિવ્ય ભાસ્કર*
૧૮ જાન્યુઆરી, ૨૦૧૭
*La’ફટર*
*- વિનય દવે*
*અણવર લજામણો રે…*
ઉત્તરાયણ પૂરી થતાં જ લગ્નની સિઝન શરૂ થઈ જાય છે. આપણે ત્યાં લગ્નને પ્રસંગની જેમ નહીં, પણ ‘મહોત્સવ’ની જેમ ઊજવવામાં આવે. લગ્નવાળા ઘરમાં લગભગ એકાદ અઠવાડિયા સુધી જાતજાતના પ્રસંગો બનતા હોય છે અને ભાતભાતના લોકો ‘પ્રગટ’ થતા હોય છે. ‘મેરેજ’ નામની મસ્ત મનોરંજક ફિલમમાં ‘એન્ટ્રી’ પાડનારાં અવનવાં ‘કેરેક્ટર્સ’માં સૌથી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર હોય તો એ છે – અણવર. અણવર એટલે લગ્ન દરમિયાન સતત વરની સાથે ઊભો રહેનારો (કે બેસનારો) સાથીદાર.
હિન્દી ફિલ્મોમાં ખૂંખાર વિલનની સાથે એનો એક ‘પીઠ્ઠુ-ફોલ્ડર’ પડછાયો બની સતત એની સાથે ફર્યા કરતો હોય છે. બરાબર એ જ રીતે અણવર વરરાજાની ‘પીછે-પીછે’ ફરતો રહેતો હોય છે. આપણી ગુજરાતી ભાષામાં કંઈક ખોટું, ખરાબ કે વિરુદ્ધનું લખવું નકારવાચક હોય તો એ શબ્દની આગળ ‘અણ’ એવો ઉપસર્ગ લગાડવામાં આવે છે. જેમ કે અણઘડ, અણબનાવ, અણગમતું, અણઆવડત વગેરે પણ લગ્નમાં વરની સાથે એના જોડીદાર, સાથીદાર, સપોર્ટર તરીકે ‘ખડે પગે સેવા આપનાર’ને ‘અણવર’ શું કામ કહેતા હશે એ મને આજ સુધી સમજાયું નથી. એ જે હોય તે પણ અણવર આમ તો મોટેભાગે વરને મદદરૂપ થાય એવાં તમામ કાર્યો નિ:સ્વાર્થપણે કરતો રહેતો હોય છે.
લગ્નમાં અણવર બનનાર ‘શખ્સ કે ઇસમ માટે વણલખેલી કેટલીક ફરજો હોય છે અને લગ્નમંડપના ‘જ્યુરીસડિક્શન’માં કેટલા હકો પણ પ્રાપ્ત થતા હોય છે. અણવરની બધી જ ફરજો ‘વરરાજાલક્ષી’ જ હોય છે. લગ્ન દરમિયાન અણવરે પોતાની તમામ એક્ટિવિટીઝ વરરાજાને ‘ફોકસ’માં રાખીને જ કરવાની હોય છે. જેના હૃદયમાં વરરાજાનું હિત વસેલું હોય તે અને માત્ર તે જ અણવર બનવા સક્ષમ માનવામાં આવે છે અને એટલે જ વરરાજાનો ખાસ-મ-ખાસ દોસ્ત, પાક્કો ભાઈબંધ, જિગરજાન યાર, પ્રિય મિત્ર જ અણવર બનતો હોય છે. અણવર લગ્ન પહેલાં વરરાજાને તૈયાર થવામાં મદદરૂપ થતો હોય છે.
એ વરરાજાના ડ્રેસમેન કમ મેકઅપ મેન કમ આસિસ્ટન્ટનું કામ કરતો હોય છે. જોકે, આવું કરવામાં અણવર ઘણી વાર ‘લોચા’ પણ મારી દેતો હોય છે. એક લગ્નમાં અણવરે વરરાજાને એવી ‘કચકચાવીને’ ટાઇ બાંધી આપી’તી કે ચોરીમાં બેસતાં જ વરરાજાનો શ્વાસ રુંધાવા માંડેલો, પણ ત્યાં હાજર ‘ગોર મહારાજ’ ખૂબ જ ‘એક્સપિરિયન્સ’વાળા હતા. એમણે તરત જ પરિસ્થિતિ પામી જઈ ટાઈનો ગાળિયો ઢીલો કરી વરરાજાને ટાઇચૂડમાંથી મુક્ત કર્યો.
એક લગ્નમાં અણવરે વરરાજાના વાળ સરખા કરવા માટે એવો કોઈક ‘પદાર્થ’ લગાડી દીધો હતો જેને લીધે વરરાજાનો એક એક વાળ શાહુડીના પીંછાંની જેમ કડક-ટટ્ટાર ઊભો થઈ ગયો હતો અને લગ્નના બધા જ ફોટામાં વરરાજા ઊભા વાળ સાથે જંગલી રાજા જેવો દેખાતો હતો. લગ્નની વિધિ દરમિયાન ત્યાંના અગ્નિના કારણે, ગરમીના કારણે કે પછી લગ્નના ટેન્શનના કારણે વરરાજાને સતત પરસેવો છૂટ્યા કરતો હોય છે.
આવા સંજોગોમાં અણવર પોતાની પાસે રાખેલા સરસ મજાના નેપ્કિન-રૂમાલથી વરરાજાનો ‘પસીનો’ થોડી થોડી વારે લૂછી એને રૂડોરૂપાળો દેખાડવા પ્રયત્નશીલ રહેતો હોય છે, પણ ઘણી વાર પોતાને મળતી રોયલ ટ્રીટમેન્ટથી વરરાજામાં હવા ભરાઈ જતી હોય છે. એક લગ્નમાં વરરાજા વાયડો થઈ અને વારેવારે અણવર પાસે મોઢું લુછાવતો હતો. જેને લીધે અણવર અકળાઈને વરરાજાને ચોરી વચ્ચે ‘ચમાટ’ મારી દીધી અને પછી મોટેથી બોલ્યો ‘હું અણવર છું, તારા બાપનો નોકર નથી.’ આટલું બોલી ‘મંડપભૂમિ’ છોડી જતો રહેલો. આપણે ત્યાં લગ્નો દરમિયાનની સૌથી ‘થ્રિલિંગ એક્ટિવિટી’ હોય તો એ છે – ‘જૂતાં ચોરવાની એક્ટિવિટી’ પૈસા પડાવવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે છોકરી પક્ષવાળા વરરાજાનાં જૂતાં, જોડા ચોરવા માટે સતત પ્રયત્નો કરતા રહેતા હોય છે.
આવા સંજોગોમાં અણવર ‘જાંબાઝ’ સૈનિકની જેમ વરરાજાનાં જૂતાંની રખેવાળી કરતો હોય છે અને હિંમતપૂર્વક છોકરી પક્ષવાળાનાં જૂતાં ચોરીના હુમલાનો સામનો કરતો હોય છે. એક લગ્નમાં તો અણવર અને છોકરીવાળા જૂતાંચોરો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થયેલી. અણવર થોડું કરાટે, કુંગફુ જાણતો હતો એટલે બ્રુસલી અને જેકીચાનની જેમ ‘હુ-હા-હે-હો’ એવા અવાજો કરી છોકરીવાળાની ‘સારી પેઠની ધુલાઈ’ કરી દીધી’તી. છોકરીના ફૂઆએ પોલીસને ફોન કર્યો. લગ્નના મંડપમાં સૂટબૂટવાળા ‘સાજન મહાજન’ વચ્ચે ખાખી વર્દીવાળા પોલીસો ધસી આવ્યા. કન્યાપક્ષે વરપક્ષ સામે ‘હિચકારા હુમલા’ની ફરિયાદ નોંધાવી.
વરપક્ષે કન્યાપક્ષ સામે ‘જૂતાં જેવી કીમતી જણસ’ની લૂંટની ફરિયાદ નોંધાવેલી અને પછી લગ્નની બાકી વિધિ પોલીસ સ્ટેશનમાં પતાવવી પડેલી. આવી બધી ખૂબ જ ગંભીર અદા કરનારા અણવરને રિલેક્સ થવા કેટલાક અબાધિત હકો મળતા હોય છે. લગ્નની વિધિ દરમિયાન કન્યાપક્ષની કોઈ પણ કન્યા સાથે ‘નયન’ના સેતુ રચવાનો યાને કિ ‘લાઇન મારવાનો’ અબાધિત હક અણવરને હોય છે, પણ આ હકનો ઉપયોગ મર્યાદામાં રહીને કરવાનો હોય છે નહીંતર પછી અણવરે કન્યાપક્ષ તરફથી ‘દેવાવાળી’ સહન કરવી પડતી હોય છે. આ સિવાય ખાવા-પીવામાં પણ અણવરને વર જેટલું જ માનપાન મળતું હોવાથી તે પણ પોતાને એક દિવસનો રાજા માનતો હોય છે.
ક્રિકેટમાં કેપ્ટન પછી વાઇસ કેપ્ટનનું જેટલું ઇમ્પોર્ટન્સ હોય છે, એટલું જ લગનમાં વરરાજા પછી અણવરનું મહત્ત્વ હોય છે અને એટલે જ અંગ્રેજીમાં અણવરને ‘બેસ્ટ મેન’ કહેવામાં આવે છે, પણ ઘણા ‘બેસ્ટ મેન’ નકામા એટલે કે ‘વેસ્ટ મેન’ બની જતા હોય છે. ખરુંને?
લેખક – વિનય દવે