કળશ પૂર્તિ
દિવ્ય ભાસ્કર – ૨૫/૦૧/૨૦૧૭
લા’ફટર – વિનય દવે
“મફતનું મેળવવાનો હક”
મારા એક મિત્રે ‘મોંઘીદાટ’ મોટરસાઇકલ ખરીદી. ‘ફોર વ્હીલર’ના ભાવ જેટલો એ ‘ટુ વ્હીલર’નાે ભાવ હતો. ‘સુપરડુપર કોસ્ટલી’ બાઇકની ડિલિવરી લેવા એ શો રૂમ પર ગયો. એ બાઇકની સાથે એક ‘જર્સી’ ફ્રી મળતી હતી. એ કોટનની ‘ગોળ ગળા’વાળી જર્સી પર બાઇકનું નામ અને બાઇકનો ફોટો છાપેલો હતો, પણ મારો વા’લીડો જે દિવસે બાઇક ‘છોડાવા’ ગયો એ દિવસે પેલી જર્સી ‘હાજર સ્ટોક’માં નહોતી.
‘ફ્રી’વાળી ‘ફોગટની’ જર્સી નહીં મળે એ વાતથી મારા મિત્રનું ફટ કર્યું. એણે તો રીતસર રાડારાડી શરૂ કરી. 50 રૂપિયાની જર્સી માટે 5,00,000ની બાઇકનો ઓર્ડર કેન્સલ કરવા પર આવી ગયો. બાઇકના શો રૂમનો મેનેજર એક્ઝેક્ટ એવી જ જર્સી પહેરીને ફરતો હતો. એણે પહેરેલી જર્સી કાઢીને આપી દીધી. મેનેજરને રીતસર ‘ઉઘાડો’ પાડ્યો છતાંયે છેવટે જર્સી અને 500 રૂપિયા રોકડાનું ડિસ્કાઉન્ટ લીધા પછી જ મારો મિત્ર ‘ટાઢો’ પડ્યો અને બાઇક છોડાવી. ત્યારે શો રૂમનો મેનેજર ‘છાપું’ ઓઢીને ફરતો હતો.
ખરેખર, કોઈ પણ વસ્તુને ‘ફ્રી’માં મેળવ્યા પછી જ આપણને ખરીદીનો સાચો આનંદ પ્રાપ્ત થતો હોય છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવીએ છીએ. આ બંધારણમાં જે બધા હક આપણને પ્રાપ્ત થયા છે એમાં આ હક લખેલો નથી તે છતાં પણ આ હકનો આપણે જોરશોરથી, ચારેબાજુ, રોજેરોજ ઉપયોગ કરીએ છીએ. આ વણલખેલો હક છે. ‘મફતનું મેળવવાનો હક્ક’ આ હક્કનો ઉપયોગ કર્યા વગરનો આપણો એક દિવસ પણ જતો નથી. (કે પછી આપણે જવા દેતા નથી) શાક લેવા જઈએ ત્યારે કોથમીર, મરચાં, લીમડો જેવો મસાલો ‘મફત’માં લેવા આપણે ‘કચ્ચી-કચ્ચીને’ માથાકૂટ કરીએ છીએ અને લાંબી રકઝક કર્યા પછી એ મસાલો ‘લીધે જ’ આપણે છૂટકો કરીએ છીએ.
આપણી આ મેન્ટાલિટી શાક વેચનારા ‘બકાલી’ પણ સારી રીતે જાણતા હોય છે. એટલે એ લોકો પણ આપણને ‘ઓબ્લાઇજ’ કરતા હોય એમ મસાલો આપી આપણું ‘મન’ રાખી લેતા હોય છે. એવી જ રીતે બહેનોની ‘પ્રાણપ્રિય’ પાણીપૂરીવાળાને ત્યાં પણ ‘સેમ ટુ સેમ’ ઘટના ઘટતી હોય છે. પાંચ રૂપિયાની પાણીપૂરી ખાઓ તો પણ એક મસાલા પૂરી ફ્રી મેળવવી એ આપણો અબાધિત હક છે એવું દરેકનું માનવું છે.
ઘણા તો મસાલા પૂરી ખાધા પછી ‘બેધડક’ કોરી પૂરી પણ માગતા હોય છે. ક્યાંક સાઉથ ઇન્ડિયન વાનગીઓ ખાવા જઈએ ત્યાં સાંભાર, ચટણી, રસમ જોઈએ એટલી વાર ફ્રી મળતાં હોય છે એટલે આપણે ઇડલી, ઢોંસા કે મેંદુવડાં મંગાવી વાટકીઓ ભરી ભરીને ગરમાગરમ, ચટાકેદાર સાંભાર સબડકા મારી મારીને સીસકારા બોલાવતા ‘ગટ ગટ’પી જતા હોઈએ છીએ. ચટણીઓ પણ ચમચે-ચમચા ચાટી જતા હોઈએ છીએ. આજકાલ લોકો બગીચામાં ચાલવા, દોડવા, કસરત કરવા કે લાફિંગ ક્લબમાં હસવા ઘૂસી જતા હોય છે.
આવા બગીચાની બહાર કોઈ હેલ્થ સેન્ટરવાળા કે દવાની કંપનીવાળા પોતાની જાહેરાત માટે વજનકાંટો અને મેજરટેપ લઈને ઊભા રહેતા હોય છે. લોકો એમની પાસે પણ પહોંચી જતા હોય છે અને જાણતાં હોવા છતાં ‘મફતમાં થાય છે એટલે’ પોતાનું વજન અને ઊંચાઈ મપાવી લેતા હોય છે અને પછી ‘એટલું ને એટલું જ છે એવું બોલી હસતાં હસતાં ઘરે જતા રહેતા હોય છે.
કોઈ પણ કાર્યક્રમની ટિકિટના પૈસા ખરીદવામાં આપણને કોણ જાણે શું કાંટા વાગતા હોય છે! દરેક વખતે એ કાર્યક્રમ સાથે જોડાયેલી વ્યક્તિ સાથે ઓળખાણો કાઢી આપણે ‘મફત’ના પાસ મેળવવા ખૂબ મહેનત કરતા હોઈએ છીએ. ખાણી-પીણીની ચીજવસ્તુઓના વેચાણ માટે પ્રદર્શન-મેળો ભરાયો હોય ત્યારે દરેક સ્ટોલવાળા પોતાની પ્રોડક્ટને ટેસ્ટ કરવા માટે કાઉન્ટર પણ મૂકતો હોય છે.
આપણામાંના ઘણા બધા લોકો ‘સ્ટોલે-સ્ટોલે’ ફરી અને આવી મફતની વસ્તુઓ ‘બુકડેબુકડા’ ભરી ઝાપટી જતા હોય છે. કેટલાંક તો સાંજનું ભોજન કેન્સલ કરવું પડે એટલું બધું ‘દબાવી’ જતા હોય છે. કોઈ પણ જગ્યાએ ‘ફ્રી’ એટલે ‘મફત’ લખ્યું હોય ત્યાં આપણું ધ્યાન સૌથી પહેલાં જતું હોય છે. ‘બધા વેપારીઓ’ પણ આપણી આવી મેન્ટાલિટી પારખી ગયા છે એટલે જ એ લોકો ‘બાય વન ગેટ ટુ’, ‘વન પ્લસ વન ફ્રી’, ‘ફિફ્ટી પર્સન્ટ ફ્રી સેલ’ એવું બધું લખી આપણને ખરીદી કરવા ‘ઉકસાવતા’ હોય છે.
હકીકતમાં તો એ લોકો કિંમત વધારી એના પર ડિસ્કાઉન્ટ આપતા હોય છે, પણ અાપણને ‘ફ્રી-મફત’નું એટલું ગાંડપણ હોય છે કે આપણે ભાન ભૂલી ખરીદી કરવા માંડતા હોઈએ છીએ. બિનજરૂરી શોપિંગ કરતા હોઈએ છીએ. અમારા એક ઓળખીતા ડૉક્ટરને ત્યાં દવા લેવા જાય ત્યારે માંદા હોવા છતાં હિંમતભેર મફત દવાની માગણી કરતા હોય છે અને અમારા ડૉક્ટર પણ સારા સ્વભાવના છે એટલે એમની પાસે કંપનીવાળાઓ જે ‘સેમ્પલ’ની દવાઓ આપી ગયા હોય એ દવાની ‘લહાણી’ પણ કરી નાખતા હોય છે. મારા એક ડૉક્ટર મિત્રને ત્યાં આવતા દર્દીએ તો એક વાર ‘સોલ્લિડ’ માગણી કરી હતી. એ દર્દીને છ ઇન્જેક્શનનો કોર્સ કરવાનો હતો. તો તેણે પાંચ ઇન્જેક્શન લીધા પછી કહેલું, ‘ડૉક્ટર સાહેબ, પાંચ વાર સોય ઘોંચાવી એના પૈસા આપ્યા, હવે છઠ્ઠું તો તમારે ફ્રીમાં જ આપવું પડશે’ અને ડૉક્ટર દવેએ હસીને છઠ્ઠું ઇન્જેક્શન મફતમાં ઠોકી આપેલું. ટૂંકમાં, મફત નામનો શબ્દ આપણને ખૂબ ગમતો છે.
એના માટે આપણે ધક્કામુક્કી, હડસેલાં, હડદોલાં બધું જ સહન કરવા તૈયાર થઈ જઈએ છીએ. ‘મફતનું મળે તો ઝેર પણ ખાય’ એ કહેવત એમનેમ તો નહીં જ પડી હોયને? આપણા નેતાઓ આ ‘મફતનું મેળવવાના હકનો’ ખૂબ જ ઉપયોગ કરે છે એવું સાંભળ્યું છે. એ સાચું છે?
©VINAY DAVE