રીઢા રકઝકીયા – વિનય દવે

​*લા’ફટર – વિનય દવે*
કળશ પૂર્તિ – દિવ્ય ભાસ્કર ૦૧/૦૨/૨૦૧૭
*”રીઢા રક્ઝકીયા”*
ગુજરાતીઓને ‘વેપારી પ્રજા’ તરીકે ઓળખવામાં આવે છે. ધંધો કરવામાં આપણને ગુજરાતીઓને ‘જબરી’ ફાવટ હોય છે. આખી દુનિયાની ‘બિઝનેસ કોમ્યુનિટી’માં આપણા ‘સિક્કા’ પડે છે, પણ આ સિક્કાની બીજી બાજુયે છે. કોઈ પણ પ્રજા વેપાર ત્યારે જ કરી શકે જ્યારે સામે ‘ખરીદનાર’ હોય. એટલે આપણે ગરવા ગુજરાતીઓ વેપારી પ્રજાની સાથે ખરીદનારી પ્રજા પણ છીએ.

ખરીદી કરવી, શોપિંગ કરવું એ આપણો પ્રિય શોખ છે, પણ ખરીદી કરતા પહેલાં આપણને ‘ચાર જગ્યાએ’ પૂછવાની અનોખી આદત છે. (આ ‘ચાર જગ્યા’ ક્યાં આવેલી છે એની ‘ઇન્ટરપોલ’ તપાસ કરી જ રહ્યું છે.) કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલાં આપણે એના ભાવની પૂછપરછ કરીએ છીએ. પછી જે જગ્યાએ સૌથી ઓછો ભાવ  હોય ત્યાં આપણે ‘ઠરીઠામ’ થઈએ છીએ.

એ પછી ખરીદી પહેલાંની આપણી સૌથી ગમતી પ્રવૃત્તિનો આપણે ‘શુભારંભ’ કરીએ છીએ. કોઈ પણ ચીજ ખરીદતા પહેલાં એના ‘ફાઇનલ ભાવ’ માટે વેપારી સાથે ‘રકઝક’ કરવાનું આપણને ખૂબ ગમે છે. અંગ્રેજીમાં જેને ‘બાર્ગેનિંગ’ કહે છે. વેપારી જે ભાવ કહે તેને ઓછો કરાવવામાં આપણને ‘અદકેરો આનંદ’ આવતો હોય છે. ખૂબ જાણીતા ભજનની પંક્તિઓ છે, ‘બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં.’

ખરીદી કરવામાં આપણું ભજન હોય છે, ‘બિન બાર્ગેનિંગ માલ કહાં સે લાઉં.’ બાર્ગેનિંગ કરાવ્યા વગર આપણને ખરીદીમાં મજા નથી આવતી એ ‘નક્કર હકીકત’ છે.

આપણી ‘બાર્ગેનિંગ’ની પ્રોસેસ ખૂબ જ કમાલની હોય છે. વેપારી કોઈ પણ વસ્તુની કંઈ પણ કિંમત કહે એટલે આપણે એક ખાસ પ્રકારના ચોક્કસ હાવભાવ સાથે એ વસ્તુને જોતા રહીએ છીએ. આના પરથી વેપારીને ‘ઇન્ડિકેશન’ મળે છે કે ‘પાર્ટી ઇન્ટરેસ્ટેડ’ તો છે. એટલે વેપારી પ્રશ્ન કરે, ‘બોલો, લેવું છે?’ આ સમયે આપણે સામે પ્રશ્ન કરીએ છીએ, ‘લેવું તો છે, પણ તારે કેટલામાં દેવું છે?’

વેપારી ગુગલી ફેંકે, ‘મેં તો મારી કિંમત કહી દીધી, હવે તમે બોલો, તમારે કેટલામાં લેવું છે?’ વેપારીએ કહેલી કિંમત સામે પોતાની ચોઇસની કિંમત કહેવાની આવે એ, ‘બાર્ગેનિંગ પ્રોસેસ’ યાને કિ ‘રકઝકના રમખાણ’નું પહેલું પગથિયું છે.  મારી પોતાની જ વાત કરું તો હું બાર્ગેનિંગની બાબતમાં અત્યંત નબળો છું. એકદમ ‘કચ્ચા ખિલાડી’ જેવો છું. વેપારી જ્યારે પોતાના માલની કિંમત કહે ત્યારે મારા મનમાં ‘કરુણાનું ઝરણું’ ફૂટી નીકળતું હોય છે.

મારા દિલમાંથી એવો અવાજ ઊઠતો હોય છે કે, ‘આ બિચારો વેપારી, મહેનતકશ ઇન્સાન પોતાના જ માલની કિંમત બઢાવી-ચડાવીને ખોટી શું કામ કહે?’ એના વચન પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી રકઝક કરવાનું માંડી વાળી એણે કહી હોય એ જ કિંમતે વસ્તુ ખરીદી ઘરે આવી જતો હોઉં છું, પણ ઘરે આવ્યા પછી મારી રકઝક કરવાની અણઆવડતનાં ‘છાજિયાં’ લેવાનાં શરૂ થતાં હોય છે.

‘આ લેંઘામાં નાખવાની નાડીનો દડો કેટલામાં લાવ્યો?’ ‘બસો પચાસ રૂપિયામાં.’ ‘હેં? કેમ આટલા બધા?’ ‘અરે! આમાં દસ મીટર નાડી છે.’ ‘અલ્યા ડોબરમેન, પચીસ રૂપિયાની વસ્તુના તેં બસો પચાસ આપી દીધા?’ અને પછી મારા નામ પાછળ ઘણાં વિશેષણો લગાડી મારી ઇજ્જતની ‘ધજ્જિયાં’ ઉડાડવામાં આવતી હોય છે.  આમ, મને તો ‘લગીરે’ ભાવતાલ કરાવતા આવડતું નથી, પણ જે લોકો ‘રીઢા રકઝકિયા’ હોય છે, એ તો અત્યંત ભેદી રીતે બાર્ગેનિંગ કરતા હોય છે.

એ લોકો વેપારી કહે એની અડધી કરતાં પણ ઓછી કિંમત બેધડક રીતે બોલી દેતા હોય છે. ‘આ પગલૂછણિયું કેટલાનું છે?’ ‘ત્રણસો રૂપિયાનું.’ ‘અલ્યા તૈણસો તો હોતા હશે. કંઈક વાજબી કર.’ મિત્રો, આ ‘કંઈક વાજબી કર’ એ શબ્દો બાર્ગેનિંગ કળામાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આવી ‘વાજબી’ કરવાની માગણી પછી વેપારી એક સ્ટેપ નીચે ઊતરે છે, ‘ત્રણસોની જગ્યાએ તમે બસો પંચોતેર આપજો’ અને હવે રીઢા રકઝકિયા અસ્સલ ‘કલર’ દેખાડે છે.

‘બોલ પંચોતેરમાં પગલૂછણિયું આપવું છે.’ હવે તમે જ વિચારો ક્યાં બસો પંચોતેર અને ક્યાં પંચોતેર? હું તો આવો ભયંકર ભાવ ડિફરન્સ બોલાય ત્યારે નૈઋત્ય દિશા તરફ ઝડપથી ચાલવા માંડું છું, પણ રકઝકિયા તો અડીખમ ઊભા રહે છે. વેપારી પણ સામે ઝીંક ઝીલે છે. ‘પંચોતેરમાં તો અમારા ઘરમાં પણ નથી પડતું. સારું અઢીસોમાં લઈ જાઓ.’ પણ વીર રકઝકવાળાની પિન પંચોતેર પર ચોંટી જાય છે. ભાવની થોડી વાર ખેંચાખેંચી થાય.

અવાજના સૂર ઉપર નીચે થાય અને પછી છેવટે ત્રણસોના પગલૂછણિયાનો સોદો એંસી રૂપિયામાં પાર પડે. વેપારીને તો પણ વીસ રૂપિયાનો નફો થયાનો આનંદ થાય છે. જ્યારે ખરીદનારને બસોવીસ ઓછા કરાવ્યાનો આનંદ થાય છે અને આવી રકઝક તો ‘ફિક્સ રેટ’ એવું લખ્યું હોય ત્યાં પણ થતી હોય છે. બાર્ગેનિંગ બહાદુરો તો કોઈ પણ જગ્યાએ બાર્ગેનિંગ કરવા સક્ષમ હોય છે. અમારા એક ઓળખીતા રીઢા રકઝકિયાએ ચેન્નાઇની ચાર ટિકિટ માગી રેલવે સ્ટેશન પર બાર્ગેનિંગ કરી રેલવે સ્ટેશન પર ચકચાર મચાવી દીધો હતો.

પછી તો ખભા ઉપર ‘રે.પુ.’ લગાડેલા બેજવાળી રેલવે પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો, પણ એ સમયે ટિકિટ આપનારા રેલવે કારકૂનને ‘મિનિ એટેક’ આવ્યો’તો. એનો હું તાજનો સાક્ષી છું. ટૂંકમાં, રીઢા રકઝકિયા, ભડવીર, ભાવતાલિયા, બાર્ગેનિંગ બહાદુરો આપણા બજારની રોનકસમા છે, માટે આ રકઝકની પ્રથા કાયમ ચાલુ રહેવી જ જોઈએ. કંઈક વાજબી કરો યાર..
©Vinay Dave

Published by

Vinay Dave Writer

I am a writer,lyricist, poet and a columnist.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s