MY COLUMN “LA’FATAR”
IN KALASH POORTI OF
DIVYA BHASKAR.
કળશ – દિવ્ય ભાસ્કર ૦૮/૦૨/૨૦૧૭
લા’ફટર
– વિનય દવે
“બીસીસીઆઈની બોર્ડ મિટિંગ”
આ પણા ભારતના ક્રિકેટનું સંચાલન કરનાર સંસ્થા ‘બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા’ છે. આપણું આ બી.સી.સી.આઈ. પોતે જ ‘આઉટ ઓફ કંટ્રોલ’ થઈ ગયું. એ લોકો પોતે ‘બહુ ચર્ચિત કેરેક્ટર્સ ઓફ ઇન્ડિયા’ થઈ ગયા. એમનાં નામ અને કામ ચર્ચાના ચકડોળે ચડ્યાં. મામલો કોર્ટમાં ગયો અને પછી સુપ્રીમ કોર્ટે આખું બોર્ડ વિખેરી નાખ્યું. બોર્ડના બેજવાબદાર બાહુકોને ઘરભેગા કરી નાખ્યા અને પછી ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું સંચાલન કરવા એક નવી જ સમિતિની રચના કરી નાખી. આ ‘ન્યૂ ન્યૂ બ્રાન્ડ’ કમિટીમાં અધ્યક્ષપદે ભૂતપૂર્વ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (જેને ટૂંકમાં સીએજી, કેગ કહે છે.) વિનોદ રાયને બેસાડ્યા. તેમણે અગાઉની સરકારના ટુજી ગોટાળા, કોમનવેલ્થ કાંડ, કોલસા કૌભાંડનો ‘પર્દાફાશ’ કરેલો.
એમની સાથે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ડાયના એડલજી અને ફાઇનાન્સિયલ એક્સપર્ટ વિક્રમ લિમયેને બોર્ડની નવી કમિટીમાં ગોઠવ્યાં. આ ચાર સદસ્યોવાળી કમિટીમાં ડાયેના એડલજી સિવાય કોઈને ક્રિકેટ સાથે સંબંધ રહ્યો નથી. એટલે આ લોકો વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ અને સૌથી મજબૂત ટીમને કેવી રીતે ‘હેન્ડલ’ કરશે એ જ જોવાનું છે, પરંતુ હમણાં થોડા દિવસ પહેલાં જ આ નવી કમિટીની બેઠક મળી. જેમાં આવનારી ક્રિકેટ સિરીઝ માટે ભારતીય ટીમનું સિલેક્શન કરવાનું હતું. મિટિંગમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ અનિલ કુંબલે પણ હાજર હતા. એ મિટિંગમાં શું બન્યું એનો ‘સિલસિલાવાર’ અહેવાલ જોઈ લઈએ.
તો જોઈએ, ‘બીસીસીઆઈનું સીસીટીવી ફુટેજ’ કોહલીએ વાત શરૂ કરતાં કહ્યું, ‘લેટ અસ સ્ટાર્ટ સિલેક્શન મિટિંગ ફ્રેન્ડ્ઝ’ તરત જ વિનોદ રાયે ટોક્યો અને કહ્યું, ‘વિરાટ અમે તારા ફ્રેન્ડ્ઝ નથી. બોર્ડ મેમ્બર્સ છીએ. એટલે અમને સર કહે.’ કુંબલેએ બાજી સંભાળતાં કહ્યું, ‘વિનોદ રાય સરની રાય સાચી છે.’ ત્યાં તરત જ ક્રિકેટ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું, ‘1932માં ભારતની ક્રિકેટ ટીમ એની પહેલી ટેસ્ટ રમવા ઇંગ્લેન્ડ ગઈ ત્યારથી ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સભ્યાેને સર કહેવાનો રિવાજ હતો, પણ 1980માં જ્યારે સુનીલ ગાવસ્કર કેપ્ટન બન્યો ત્યારથી એણે બોર્ડ મેમ્બર્સને ફ્રેન્ડ્ઝ કહેવાનું શરૂ કરેલું.’ વિરાટે એને અટકાવતાં કહ્યું, ‘ઓકે સર, તો હવે ટીમ સિલેક્શન ચર્ચા શરૂ કરીએ.’
કુંબલેએ પોતાની ફાઇલમાંથી એક કાગળ આપતાં કહ્યું, ‘અમે એક ટેન્ટેટિવ ટીમ બનાવી છે. જેમાં સારામાં સારું પરફોર્મ કરી રહેલા પ્લેયર્સ છે. તમે લોકો અમે પ્રપોઝ કરેલા ખેલાડીઓનું લિસ્ટ જોઈ શકો છો.’ આ સાંભળી ફાઇનાન્સ એક્સપર્ટ વિક્રમ લિમયેએ કહ્યું, ‘અમે તમારી પ્રપોઝલ નહીં લઈ શકીએ. કોઈ પણ પ્રપોઝલને ફાઇનલ કરતા પહેલાં ઓપ્શન્સ હોવા જરૂરી છે.’ કોહલી ગૂંચવાયો અને પૂછ્યું, ‘ઓપ્શન્સ એટલે?’ લિમયે બોલ્યાં, ‘જ્યારે ટેન્ડર બહાર પડે ત્યારે પાર્ટીઓ પાસેથી વિવિધ ભાવની પ્રપોઝલ્સ મંગાવવામાં આવે છે. પછી જેનો ભાવ સૌથી ઓછો હોય એને ટેન્ડર મળે. તમેય મિનિમમ ચાર ટીમના ઓપ્શન લઈ આવો.
પછી જ ફાઇનલ થશે.’ ટેન્ડર અને ટીમની વાત સાંભળી કોહલી, કુંબલે એન્ડ કંપની ગેબી રીતે ગોથે ચડી ગઈ. એમને કશું સમજાયું નહીં, પણ એક જમાનામાં ક્રિકેટર રહી ચૂકેલી ડાયના એડલજીએ બાજી સંભાળી અેને કહ્યું, ‘લિમયેજી ટીમ સિલેક્શનમાં ટેન્ડરવાળી વાત નહીં ગોઠવાય એટલે જવા દો.’ લિમયે માથું ધુણાવી ‘હા’ પાડી, પણ ત્યાં જ ડાયનાએ ગુગલી ફેંકતા કહ્યું, ‘તમારી ટીમમાં બધા પુરુષો જ કેમ છે? તમે મહિલાઓને ટીમમાં સામેલ કેમ નથી કરી? મિથાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી ટેલેન્ટેડ ખેલાડીઓને ટીમમાં સ્થાન ન આપી તમે મહિલાઓનું અપમાન કર્યું છે.’ કોહલીએ કહ્યું, ‘ઓ ડાયનાબહેન મહિલાઓની ક્રિકેટની આખી અલગ ટીમ છે અને એ બંને એમાં છે જ. આ તો ભઈલાઓની ટીમની વાત ચાલે છે.’
ડાયનાએ હથિયાર મ્યાન કરતાં કહ્યું, ‘સારું, સારું, અત્યારે ચલાવી લઈએ છીએ, પણ ભવિષ્યમાં મહિલાઓ અને પુરુષોની કોમન ટીમ બનાવવી જ પડશે.’ કુંબલેએ વાત આગળ વધારતાં કહ્યું, ‘મારે ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરની ચર્ચા કરવી છે.’ આ સાંભળી વિનોદ રાય ધ ચેરમેન તાડૂક્યા, ‘ટુજી ગોટાળાની અહીંયાં ચર્ચા નથી કરવાની. એ મામલો કોર્ટમાં છે.’ કોહલીએ કહ્યું, ‘અરે સર! અમે ટુજી ગોટાળાની નહીં, ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીની વાત કરીએ છીએ. વિનોદજીએ પોતાની રાય આપતાં કહ્યું, ‘ઓહ! આ તો ગૌતમનો જી અને ગંભીરનો જી દેખાયો એટલે મને થયું ટુજી ગોટાળાની વાત હશે.’ ત્યાં તો ઇતિહાસકાર ગુહાએ મોટેથી ‘ગુહાર’ લગાવીને કહ્યું, ‘લેફ્ટી ઓપનર ના લેવાય, કેમ કે ડાબોડી ઓપનર નરી કોન્ટ્રાક્ટરને 1962માં વેસ્ટ ઇન્ડિઝ સામે ગ્રીફિથનો બોલ માથામાં વાગ્યો હતો.’
વિરાટે કહ્યું, ‘પણ સર, ત્યારે હેલ્મેટ નહોતી એટલે.’ પણ બોર્ડે એમની વાત પડતી મૂકી અને ગૌતમને પણ ગંભીર રીતે પડતો મૂક્યો. કુંબલેએ કહ્યું, ‘સર, અમારે એક ડાબોડી સ્પીન બોલરની ખૂબ જરૂર છે, જે ચાઇનામેન માટે એક્સપર્ટ હોય.’ ત્યાં તો બધા બોર્ડ મેમ્બર ચમક્યા. લિમયેએ કહ્યું, ‘ચાઇના સાથે સંબંધો વિશે સરકાર નક્કી કરશે. એમાં આપણે માથું મારવાની જરૂર નથી.’ કુંબલેએ ક્લેરીફાય કરતાં કહ્યું, ‘સર, ચાઇનામેન એ એક બોલિંગનો પ્રકાર છે.
ડાબોડી સ્પીનર જ એ નાખી શકે છે’, પણ બોર્ડ મેમ્બર્સ ‘ચાઇના’ વર્ડથી જ ભડક્યા હતા એટલે ડાબોડી સ્પીનરો ડાબા હાથે લેવાયો. વિરાટે કંટાળીને પૂછ્યું, ‘તો સાહેબો, ટીમમાં લઈએ કોને?’ અધ્યક્ષ રાયે કહ્યું, ‘અત્યારે તો તમે જે નામ લાવ્યાં છો એ જ ફાઇનલ રાખો. નેક્સ્ટ ટાઇમ નવું વિચારીશું.’ અને આમ કેપ્ટન અને કોચ ફરી એક વાર પોતાને ગમતી, પોતાને ફાવતી ટીમ સિલેક્ટ કરાવવામાં સફળ રહ્યા.
©Vinay Dave