કળશ પૂર્તિ-દિવ્ય ભાસ્કર-૧૫/૦૨/૨૦૧૭
લા’ફટર – વિનય દવે
“રોમિયો જુલિયટનું વેલેન્ટાઇન”
વેલેન્ટાઇન્સ-ડે’ના દિવસે રમેશ સાથે જે દુર્ઘટના ઘટી એનાં મૂળિયાં તો ‘ફ્રેન્ડશિપ ડે’ના દિવસે રોપાયાં હતાં. યાને કિ 14મી ફેબ્રુઆરીએ થયેલી બબાલનો છેડો છઠ્ઠી ઓગસ્ટને અડતો હતો. ‘ફ્રેન્ડશિપ ડે’ એટલે કે છઠ્ઠી ઓગસ્ટે રમેશને એની પત્ની જયા સાથે જબરજસ્ત ઝઘડો થયેલો. મૂળ વાત એવી બનેલી કે જયાએ રમેશને બજારમાંથી ભીંડા લાવવાનું કહેલું. રમેશ ભીંડા તો લઈ આવેલો, પણ જયાને એ ભીંડાની ‘ક્વોલિટી’ પસંદ નહોતી આવી.
પછી જ્યારે જમવા બેઠાં ત્યારે રમેશે ‘ભીંડાનું શાક ભંગાર બન્યું છે’ એવી કોમેન્ટ કરી ત્યારે જયાની ‘પિન છટકી’. એણે સામે ‘છાસિયું’ કર્યું અને કહ્યું, ‘તમે ભંગાર ભીંડા લાવો તો શાક પણ ભંગાર જ બને.’ આ સાંભળી રમેશે સામો વાર કર્યો, ‘ભીંડા બરાબર હતા, પણ તેં તારા ડાચા જેવું શાક બનાવ્યું છે, સાવ બકવાસ.’ તો જયાએ પણ વળતો પ્રહાર કર્યો, ‘અરે! જાવ જાવ. તમે ભીંડો તમારા જેવો લઈ આવ્યા’તા. સાવ ઘરડો.’ બસ, એ પછી રમેશ અને જયા વચ્ચે ‘દંગલ’ શરૂ થઈ ગયેલું. ક્લાક સુધી બંનેની ‘ફાઇટ’ ચાલી, પણ કોઈ ‘ચિત્ત’ના થયું એટલે બંને અલગ અલગ રૂમમાં જતાં રહ્યાં. જયા મેઇન બેડરૂમ બંધ કરી સૂઈ ગઈ.
રમેશ ‘ગેસ્ટ બેડરૂમ’માં જઈ પલંગ પર પડ્યો. ત્યાં જઈ એણે આજકાલ લોકો જે સૌથી વધારે કરે છે એ પ્રવૃત્તિ શરૂ કરી. યસ એણે મોબાઇલમાં ફેસબુક અને વોટ્સએપ પર ચેટિંગ શરૂ કર્યું અને થોડી જ વારમાં એ ‘મોબાઇલમય’ બની ગયો. ‘ફેસબુક’ પર રમેશે પોતાનું નામ ‘રોમિયો’ રાખ્યું હતું. રમેશે ‘ફેક એકાઉન્ટ’માં ભળતીસળતી ખોટી માહિતીઓ લખી હતી અને પોતાનું સાવ ખોટું ચિત્ર ઊભું કર્યું હતું. (ફેસબુક પર આવી પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે હોં મારા વાલીડા’વ.) રમેશ રોમિયો પોતાના એકાઉન્ટમાં આવેલા મેસેજો, ફોટાઓ જોઈ મંદમંદ ‘મુસ્કુરાઈ’ રહ્યો હતો. કેટલી બધી છોકરીઓએ એને ‘હેપી ફ્રેન્ડશિપ ડે રોમિયો’ના મેસેજ મોકલ્યા હતા.
બધાયને એ સામું ‘વિશ’ અને ‘લાઇક’ કરી રહ્યો હતો. એણે જોયું તો છત્રીસ છોકરીઓએ એને ‘ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી હતી. એણે ધડાધડ બધીની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી દીધી. એ બીજા મેસેજ વાંચતો હતો ત્યાં ‘ટીડિંગ’ અવાજ સાથે મેસેજ આવ્યો. એ મેસેજમાં લખ્યું હતું, ‘હાય રોમિયો. થેંક્યૂ ફોર એક્સેપ્ટિંગ માય ફ્રેન્ડ રિક્વેસ્ટ. આઈ એમ જુલિયટ.’ રમેશ રોમિયો તો જુલિયટનું નામ વાંચી ઉછળ્યો અને પછી તો રોમિયો-જુલિયટ વચ્ચે વાતોનો ‘દોર’ શરૂ થયો. બંનેએ કલાકો સુધી ચેટિંગ કર્યું. છેવટે બંનેના મોબાઇલની બેટરી ડચકા ખાવા માંડી એટલે માંડ માંડ રોમિયો જુલિયટ એકબીજાથી વિખૂટાં પડ્યાં. ‘સી યુ સૂન. બાય.
ટેક કેર.’ એવા એવા શબ્દો સાથે એમણે ભારે હૈયે વિદાય લીધી. પણ એ પછી તો રોમિયો ને જુલિયટ આખો દિવસ ફેસબુક પર વાતે વળગેલાં જ રહેતાં. ‘ગુડ મોર્નિંગ’થી શરૂ કરી ‘ગુડ નાઇટ-સ્વીટ ડ્રીમ્સ સુધી બંનેની વાતોનો દોર આખો દી’ ચાલ્યા કરતો. જુલિયટ જ્યારે ઓનલાઇન ન હોય ત્યારે રમેશ રોમિયો ‘બૈજુ બ્હાવરો’ બની સતત મોબાઇલને જોયા કરતો. જુલિયટના મેસેજની રાહમાં એ બેધ્યાન બની જતો, બહેરો બની જતો. એની આવી હરકતોના કારણે જયાની ‘ખોપડી’ ફરી જતી. બંને વચ્ચે તુમુલ યુદ્ધ ફાટી નીકળતું. પાછાં બંને જુદા જુદા રૂમમાં ‘રૂસણે’ બેસી જતાં અને ત્યાં રમેશ રોમિયો ફરી એની જુલિયટ સાથે ‘ચેટવા’ માંડતો અને ‘નેટિયા વિશ્વ’માં એકબીજામાં ખોવાઈ જતાં.
બંને ‘શું ખાધું,’ ‘શું પીધું,’ ‘ક્યાં ગયા’તા,’ ‘શું ચાલે છે,’ ‘શું પહેર્યું છે?’ એવી બધી ફાલતું વાતો ડેઇલી અને કટિન્યૂઅસલી કર્યાં કરતાં હતાં. આમ, દિવસો પસાર થતા ગયા. બંનેને એકબીજા સાથે વાતો કર્યા વગર ચૈન નહોતું પડતું. ત્યાં તો ‘ચૌદમી ફેબ્રુઆરી’ યાને કિ ‘વેલેન્ટાઇન્સ ડે’ નજીક આવ્યો. આટલા વખતથી ચેટિંગ કરનારાં રોમિયો-જુલિયટ એ પ્રેમના પ્રતીક સમા વેલેન્ટાઇન્સ ડે પર મળવાનું નક્કી કર્યું. બંનેએ એક સરસ મજાની ‘કોફી શોપ’માં ‘મિટિંગ’ કરવાનું ‘ડિસાઇડ’ કર્યું. કાયમ લઘરવઘર ફરતાં રમેશ રોમિયોએ કહ્યું, ‘હું બ્લેક પેન્ટ અને રેડ શર્ટ પહેરીને આવીશ.’ જુલિયટે કહ્યું, ‘હું પણ બ્લડ રેડ કલરનો ડ્રેસ પહેરીને આવીશ.’
મિટિંગ ફિક્સ કરી તેરમી ફેબ્રુઆરીની રાત્રે ‘ગૂડ નાઇટ’ કહીં બંનેએ મોબાઇલ ઓલવ્યો. વેલેન્ટાઇન્સ ડેની સવારે રમેશે ઘરની બહાર નીકળતાં જયાને મોટેથી કહ્યું, ‘આજે મારે ખાસ કામ છે એટલે મને ફોન કરી ડિસ્ટર્બ ના કરતી. હું જાઉં છું.’ જયાએ કડક થઈને પૂછ્યું, ‘ક્યારે પાછા આવશો?’ તો રમેશે સામે રાડ પાડી, ‘મોડું થશે, માથાકૂટ ના કરતી.’ અને બારણું પછાડી રમેશ નીકળી ગયો. રમેશ હવે રોમિયો બનવા સીધો રેડીમેઇડ કપડાંની દુકાનમાં ઘૂસી ગયો અને ત્યાં જઈ એણે રેડ શર્ટ અને બ્લેક પેન્ટ ખરીદી લીધાં અને પછી એ પહેરી પણ લીધાં. વેલેન્ટાઇન્સ ડે હોવાથી ફૂલવાળાઓએ ભાવ વધારી દીધો હોવા છતાં રમેશ રોમિયોએ લાલ ગુલાબનું બુકે ખરીદી લીધું અને પછી રિક્ષા કરી એ નક્કી કરેલી કોફીશોપ પર જવા નીકળી પડ્યો.
રમેશ રોમિયો એણે ક્યારેય નહીં જોયેલી જુલિયટની આંખો બંધ કરી કલ્પના કરી રહ્યો હતો, ત્યાં જ એની રિક્ષા ટ્રાફિકમાં ફસાઈ ગઈ. કોઈ આખલો રસ્તા પર બેફામ બની કૂદાકૂદ કરી રહ્યો હતો. એને લીધે ટ્રાફિક જામ થઈ ગયો હતો. રમેશ રોમિયો ફરીથી ‘બૈજુ બ્હાવરો’ બન્યો. એની જુલિયટ તો નક્કી કરેલી કોફીશોપ પર પહોંચી ગઈ હતી અને ફેસબુક પર મેસેજો પર મેસેજો કરવા માંડી હતી. રોમિયો પણ સામે ‘યસ ડિયર, કમિંગ સૂન ડિયર, ઓન ધ વે ડિયર.’ એવા મેસેજો સામા ઠોક્યા કરતો હતો. છેવટે એ બરાબર દોઢ કલાક મોડો કોફીશોપમાં પહોંચ્યો. ત્યારે ત્યાં કોફીશોપમાં પણ લાઇટ ગયેલી હતી.
બધાં ટેબલ પર મીણબત્તીઓ મૂકેલી હતી. રમેશ રોમિયો મેનેજરને પૂછી, ‘બ્લડ રેડ ડ્રેસ’વાળા મેડમના ટેબલ પર પહોંચ્યો. ત્યાં બેઠેલી યુવતી સામે લાલ ગુલાબનું બુકે મૂકી એ બોલ્યો, ‘હેપી વેલેન્ટાઇન્સ ડે જુલિયટ, આઈ એમ રોમિયો’ અને પેલી પણ સામે બોલી, ‘થેંક્યૂ રોમિયો, આઈ એમ જુલિયટ’ અને ત્યાં જ કોફીશોપમાં લાઇટ આવી. રમેશ રોમિયોએ અજવાળામાં જોયું તો સામે બ્લડ રેડ ડ્રેસમાં એની પત્ની જયા યાને કિ ‘જુલિયટ’ ઊભી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Article of La Fatar by Vinay Dave in Kalash Magazine
(News in Gujarati from Divya Bhaskar)
© VINAY DAVE