Please read my article in my regular column LA’FATAR on 2nd page of KALASH POORTI of DIVYA BHASKAR.
“નવરાત્રિમાં નૌટંકી”
– વિનય દવે
”

લા’ફટર”
કળશ પૂર્તિ- દિવ્ય ભાસ્કર(પેજ-૨)
મનોરંજન ફ્લેટ્સ’માં નવરાત્રિ પહેલાં ખુશીની લહેર દોડી ગઈ’તી, કેમ કે વર્ષો પછી પહેલી જ વાર ફ્લેટમાં ગરબાનું આયોજન થયું હતું. આમ તો દર વર્ષે ફ્લેટના કૉમન પ્લોટમાં નવરાત્રિની નવે-નવ રાતે માતાજીના ફોટા સામે માત્ર આરતી પૂજા થતી હતી, પણ વ્યવસ્થિત ગરબાનું આયોજન નહોતું થતું. આરતી પતાવીને લોકો બીજે ગરબે ઘૂમવા રવાના થઈ જતાં, પણ આ વર્ષે સ્થિતિ બદલાઈ ગઈ’તી. નવા ચૂંટાયેલા ચેરમેન કમ સેક્રેટરી નગીનભાઈએ જાહેરાત કરી કે આ વર્ષે આપણે ત્યાં ગાયક સાથેના ઓર્કેસ્ટ્રાવાળા ‘લાઇવ ગરબા’ થશે.
જાહેરાત થતાં જ મનોરંજન ફ્લેટના રહીશો અવનવા મનોરંજનની અપેક્ષા સાથે આનંદમાં આવી ગયા. આ બાજુ નગીનભાઈએ જાહેરાત તો કરી નાખી હતી, પણ ગરબા ગવડાવવા કયા ઓર્કેસ્ટ્રાવાળાને બોલાવવા એ બાબતે એ કનફ્યૂઝ હતા. ઓર્કેસ્ટ્રા શોધી લાવવાનું કામ એમણે એમના ભાણિયા રાકેશ ઉર્ફે રાકલાને સોંપ્યું. રાકલો આમેય ‘કબાડાબાજ’ હતો. એ જાતજાતના લોકોને ઓળખતો હતો. જેમાં ઓર્કેસ્ટ્રાવાળા અને ગાયકો પણ હતા. રાકલાએ એ બધાયનો ‘કોન્ટેક’ શરૂ કર્યો, પરંતુ મોટાભાગના સાજિંદા, વાજિંદા અને ગાયકો ‘બુક’ થઈ ગયાં હતાં.
ગરબા ગવડાવવા કોઈ જ આર્ટિસ્ટ નહીં મળવાથી રાકેશ ‘હલવાયો’. મામા સામે એણે અત્યાર સુધી એવાં બણગાં ફૂંક્યા’તાં કે ‘આપણે’ કોઈ બી કામ પતાવી આપીએ એવા છીએ.’ પણ આ ગાયક-ઓર્કેસ્ટ્રા શોધવાના કામમાં રાકલો ગોટે ચડી ગયો’તો. છેવટે એણે એક ભજનમંડળીને બુક કરી દીધી. ભજનમંડળીવાળાને થોડા એડવાન્સ ચૂકવીને કડક સૂચના આપી કે ‘તમારે સરખા ગરબા ગાવાના છે નહીંતર બાકીના પૈસા નહીં મળે.’
ભજનમંડળીને પહેલી વાર આવો મોકો મળ્યો હતો. એટલે એમણે પણ જોરદાર તૈયારી શરૂ કરી દીધી અને ત્રણ-ચાર કલાક ચાલે એવો ગરબાનો કાર્યક્રમ તૈયાર કરી નાખ્યો. રાકલો પણ ભજનમંડળીની તૈયારી જોઈ ગેલમાં આવી ગયો. નગીન મામાના મનોરંજન ફ્લેટમાં નવ રાત ગરબા કર્યા પછી ભજનમંડળીને જે પેમેન્ટ મળવાનું હતું, એમાંથી પચીસ ટકા રાકલાને મળવાના હતા એટલે રાકલો ખુશ ખુશ હતો, પણ ત્યાં જ રાકલાના મામાએ ધડાકો કર્યો કે, ‘ફ્લેટવાળા એવું કહે છે કે માત્ર પહેલા દિવસ માટે જ ઓર્કેસ્ટ્રાવાળાને બુક કરો.
જો એમાં બધાને મજા પડશે તો જ આપણે પછીના આઠ દિવસનું બુકિંગ આપીશું.’ મામાની આવી ગેબી વાત સાંભળી રાકલો મૂંઝાયો, પણ ભજનમંડળીવાળાએ ધરપત આપી કે, ‘અમે એવા જોરદાર ગરબા ગાઈશું કે એમને બાપ કહીનેય પછીના દિવસોનું બુકિંગ આપવું પડશે.’ ભજનમંડળીની વાત સાંભળી રાકેશમાં કોન્ફિડન્સ આવી ગયો, પણ પ્રોગ્રામના આગલા દિવસે ભેદી ઘટના ઘટી. રાકલાની ખોજ એવા ભજનમંડળીવાળા કોઈ જ્ઞાતિમંડળમાં ભજનો ગાવા ગયેલા. ત્યાં જમણવારમાં બરાબરનું દબાવીને એમણે ખાધું અને પછી એમને ‘બારે મેઘ ખાંગા’ થઈ ગયાં.
ચારે જણાને ‘ભયંકર’ ઝાડા-ઊલટી થઈ ગયાં અને ચારેયને હોસ્પિટલભેગા કરવા પડ્યા. જ્યાં ડૉક્ટરે જાહેર કર્યું કે, ‘આમને ઊભા થતાં અઠવાડિયું લાગશે.’ જે સાંભળી રાકલાના મોતિયા મરી ગયા. એના મામાની ઇજ્જતનો સવાલ હતો. વળી, એણે એડવાન્સ લીધેલા પૈસા પણ પાછા આપવાની સ્થિતિમાં એ નહોતો. કોઈ પણ ભોગે એણે પ્રોગ્રામ કરવો જ પડે એવું હતું. ત્યાં એના ભેજામાં એક ઝન્નાટ વિચાર આવ્યો. એણે ફિલ્મી દાવ અજમાવવાનું નક્કી કર્યું. એના ઓળખીતામાંથી એ ચાર એક્ટરને પકડી લાવ્યો. રાકલાએ એ ચારે એક્ટરને કહ્યું, ‘તમારે માત્ર ગાવા વગાડવાની એક્ટિંગ કરવાની છે. ખાલી હોઠ હલાવવાના અને વાજિંત્રો વગાડવાનું નાટક કરવાનું છે. ગરબાનો ઓડિયો, સાઉન્ડ યાને કિ અવાજ માટે આપણે ઓડિયો સીડી વગાડીશું.’ પૈસા મળવાના હતા એટલે પેલા ચારેય ગરબાના ખેલમાં અભિનય કરવા રેડી થઈ ગયા અને પ્રોગ્રામની રાત્રે એ બધા ગાયક અને સાજિંદાની જેમ ગરબાને અનુરૂપ ગેટઅપ ઠઠાડી મનોરંજન ફ્લેટના મેદાનમાં ધસી ગયા.
રાકલાના મામા નગીનભાઈએ અને ફ્લેટના બીજા બધાએ એમનું હરખભેર સ્વાગત કર્યું અને પછી ગરબાનો પ્રોગ્રામ શરૂ થયો. રાકલાએ ઓડિયો સીડી વગાડી અને એક્ટરોએ ગાવા-વગાડવાનો અદ્્ભુત અભિનય શરૂ કર્યો. ઓડિયો સીડીમાં ગાયકનો અવાજ, મ્યુઝિક જોરદાર હતું અને પેલા એક્ટરોનો અભિનય તો ઔર જોરદાર હતો એટલે વાત જામી. મનોરંજન ફ્લેટના રહીશો મસ્તીથી ગરબે ઘૂમતા હતા. ત્યાં જ પોલીસે રેડ પાડી અને ગરબા બંધ કરાવ્યા. રેડ પાડવા આવેલા ઇન્સ્પેક્ટરે રાડ પાડી કહ્યું કે, ‘અહીંયાં પાછળ જ હોસ્પિટલ છે. એટલે આ સાઇલન્સ ઝોન છે.
અહીંયાં ઘોંઘાટ કરવા બદલ આયોજકની ધરપકડ કરવી પડશે.’ નગીનભાઈ આ સાંભળી ડરી ગયા. છેવટે એમણે ઇન્સ્પેક્ટરને સાઇડમાં લઈ જઈને પહેલાં, ‘સમજાવટ’ કરી ને પછી ‘પતાવટ’ કરી. પોલીસ ‘ગરબા કાયમ માટે કેન્સલ’ની બાંહેધરી લઈ બીજે રાઉન્ડ મારવા નીકળી ગયા. નગીનભાઈએ ગાયકની અને ઓર્કેસ્ટ્રાની માફી માગી. નક્કી થયેલા પેમેન્ટથી થોડું વધુ પેમેન્ટ ચૂકવી રાકેશને એમને મૂકી આવવા સૂચના આપી. રાકેશ ઓર્કેસ્ટ્રાવાળાને મૂકવા નીકળ્યો. પછી થોડે દૂર એક ચાની લારીએ ગાડી રોકી જ્યાં એના જ ઓળખીતા, રેડ પાડવા આવેલા નકલી પોલીસ ત્યાં બેઠા હતા અને પછી નકલી પોલીસ અને નકલી ઓર્કેસ્ટ્રાવાળાએ મસ્તીથી ચા-નાસ્તો કર્યો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Article of La Fatar by Vinay Dave in Kalash Magazine
(News in Gujarati from Divya Bhaskar)