HAJAAR NI NOTE NI AATMA KATHA

Screenshot_20170725-004025કળશ પૂર્તિ

દિવ્ય ભાસ્કર
“લા’ફટર” કૉલમ

લેખક – વિનય દવે
“હજારની નોટની આત્મકથા, ધોરણ-8નો નિબંધ”

– વિનય દવે

હું એક જમાનામાં એક હજારની નોટ હતી. ત્યારે મારું નામ, ‘હજારની નોટ’ હતું. ત્યારે મારા ‘કાગળના દેહ’ પર સત્તર ભાષાઓમાં મારી ઓળખ લખેલી હતી. ભારત સરકાર અને રિઝર્વ બેન્ક મારાં ‘મમ્મી-પપ્પા’ હતાં. પૂજ્ય ગાંધી બાપુના આશીર્વાદ મારા પર સતત વરસ્યા કરતા. હનુમાનજીએ છાતી ચીરી ત્યારે એમનાં હૃદયમાં ‘સિયા-રામ’નાં દર્શન થયાં હતાં. તેવી જ રીતે મારા હૃદયમાં ગાંધી બાપુના દર્શન થતાં હતાં. એક સમયે લોકો મારી પાછળ ‘આવારા, પાગલ, દીવાના’ હતા. દરેક જણ મને પામવા, મેળવવા ‘દોડમદોડ’ કરતાં.

મને જોઈ મારા આશિક ‘હજાર કે લિયે કુછ ભી કરેગા’ ગીત ગાવા માંડતા હતા. મારી હાજરી માત્ર જ લોકોનાં ‘તન, બદન’માં ગરમી લાવી દેતી. હું જેની પાસે હોઉં એ પોતાને ‘એકે હજારા’ માનવા માંડતો. મારી એક ‘ગડ્ડી’ યાને કિ થોકડી તો ‘સ્ટેટસ સિમ્બોલ’ ગણાતી. રબ્બર બેન્ડથી બંધાયેલી અમારી સો બહેનોની એક થોકડી ‘સો કૌરવો’ને હરાવી દેવાની પ્રચંડ તાકાત ધરાવતી. અમે સો બહેનો ભેગી થઈ અને એક ‘બંડલ’ બનતી ત્યારે તો ગમે તેવા લબાડને ‘લખપતિ’ બનાવી દેતી.

મારો દોર, દમામ, ભભકો, માભો જોરદાર હતો. મારી એન્ટ્રી પડતાં જ બધાં ‘આઘાપાછા’ થવા માંડતા. હું કોઈની પણ સામે પ્રગટ થતી ત્યારે એની ‘બોલતી બંધ’ થઈ જતી. બધાય મારી સામે નતમસ્તક થઈ જતાં. એવું કહેવાય છે કે સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળી વાંકી કરવી જોઈએ. તે સમયે આ વાંકી આંગળી એટલે હું ગણાતી. કોઈ પણ કામ એ જમાનામાં નહોતું થતું ત્યારે ‘લાસ્ટ રિઝોર્ટ’ યાને કિ છેલ્લા ઉપાય તરીકે મારું પ્રાગટ્ય કરવામાં આવતું.

ટર્નિંગ વિકેટ પર ધરખમ સ્પીનર બોલિંગ કરે ત્યારે સામેવાળાના ‘દાંડિયા ડૂલ’ થઈ જાય એમ મારા મેદાનમાં ઊતરતાની સાથે ટપોટપ વિકેટો ખરવા માંડતી, ફટોફટ કામ થવા માંડતાં’તાં. સામાન્ય માણસ હોય કે પછી સંત, નાગરિક હોય કે નેતા, ભીરુ હોય કે ભાઈલોગ, બબૂચક હોય કે બિલ્ડર, બેસ્ટમેન હોય કે બૂકી, સ્ટાર હોય કે સટોડિયા, ખેડૂત હોય કે ખડૂસ, બાવા હોય કે બુટલેગર, ટીચર હોય કે ચીટર સમાજના દરેક વર્ગમાં મારી બોલબાલા રહેતી. સારા કામથી માંડીને ખોટા કામમાં મારી હાજરી અનિવાર્ય હતી.

મારી મદદથી સમાજસેવા થતી તો ક્યારેક મારા દુરુપયોગથી સમાજ વિરોધી કામો પણ થતાં. કોઈને જોડવા, તોડવા તો કોઈને ફોડવા માટે પણ મારો જ ઉપયોગ થતો. મારા દ્વારા કેટલાંકનાં ઘર ચાલતાં તો મારા દ્વારા જ કેટલાંક ઘર ભરતાં. એક્ટરોમાં અમિતાભ અને નોટોમાં એક હજાર કાયમ ‘ટોપ પોઝિશન’ પર રહેતાં. સરકારી કામોમાં તો મારી નોટના ‘સિક્કા’ પડતા’તા. (ઓત્તારી, નોટના સિક્કા પડતા’તાં? આ જબરું લાયા. બાકી લાયા.) પેલી કહેવત છે ને કે ‘જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.’

મારા સંદર્ભમાં આ કહેવત કંઈક આવી બની જતી. ‘જ્યાં ના ચાલે સરકારની ત્યાં ચાલે નોટ હજારની’ આમ, એક સમયે મારું અભૂતપૂર્વ મહત્ત્વ હતું. લોકો મારા ‘જબરા ફેન’ હતા. મારા જેવા રંગઢંગ, રૂપ, સ્વરૂપ ધરાવતી આબેહૂબ મારા જેવી જ દેખાતી ડુપ્લિકેટ બહેનોને પણ ‘નકલીપણું’ પકડાઈ ના જાય ત્યાં સુધી મારા જેટલું જ માન-પાન મળતું. કેમ કે એ વખતે મારી યાને કિ એક હજારની નોટની પ્રચંડ લોકચાહના હતી, પણ…

આઠમી નવેમ્બરની સલૂણી સાંજ મારા માટે સણસણતી સાંજ પુરવાર થઈ ગઈ. એ સાંજે ધોળી દાઢીવાળા કાકાએ કાળાં નાણાં દૂર કરવા લાલઘૂમ થઈ એવી લીલા કરી કે બધાં પીળાં પડી ગયાં. અેમણે ‘ભાઈયોં ઔર બહેનોં’ અને ‘મિત્રો’ જેવા શબ્દોમાં અનુસ્વાર ઉમેરી મારી બાદબાકીની જાહેરાત કરી. દિલ ધડકાવી નાખે એવી રીતે કહ્યું કે, ‘પાંચસો રૂપિયા અને એક હજાર રૂપિયાની નોટો ચલણમાંથી નાબૂદ કરવામાં આવે છે.’ ચારેબાજુ સન્નાટો વ્યાપી ગયો. જોકે, મારી નાની બહેન એટલે કે પાંચસોની નોટ તો પ્લાસ્ટિક સર્જરી કરાવીને આવેલી હિરોઇનની જેમ નવા રંગ-રૂપ સાથે ફરી રજૂ થઈ, પણ મારો યાને કિ એક હજારની નોટનો તો ‘એકડો’ જ કાઢી નાખવામાં આવ્યો.

ચારે બાજુ ‘અફડાતફડી’ મચી ગઈ. ઘરમાં રાખી જે લોકો મને ‘નઈ નવેલી દુલ્હન’ની જેમ સાચવતા હતા એ જ લોકો મને ‘કુલચ્છની કલમૂંહીં’ કહી તરછોડવા માંડ્યા. મને પોતાની પાસે રાખવા માટે ‘જાન કી બાજી’ ખેલનારા મને ‘પધરાવવા’ના પેંતરા કરવા માંડ્યા. કેટલાક લોકો તો ‘અદલ સોનારણ બદલ સોનારણ’ એવા ગરબા ગાતા મને બદલવા બેન્ક તરફ ધસી ગયા. મારા માટે એક જમાનામાં ‘છોડેંગે ના હમ તેરા સાથ’ એવું ગાનારા ‘જા જા જા બેવફા’ એવું ગાઈ મને બીજે ધકેલવા માંડ્યા.

મારું કોઈ લેવાલ ના રહ્યું. મારી ઇજ્જત, આબરૂ ધૂળધાણી થઈ ગયાં. લોકો મારા વિમાન બનાવી, હોડી બનાવી, ભૂંગળી બનાવી ફોટા પાડી વોટ્સએપ ફેસબુક પર મૂકવા માંડ્યા. ‘ડિમોને ટાઇઝેશન’ એવું રૂડું રૂપાળું નામ આપી મારી પથારી ફેરવી નાખવામાં આવી. ભિખારીઓએ પણ મને લેવાની ના પાડી દીધી. પોતાના ઘરમાં પ્લાસ્ટર ઓફ પેરિસની નકલી છત બનાવી એમાં મારા થોકડા સંતાડનારા કોથળા ભરી મને કચરાપેટીમાં ફેંકવા માંડ્યા.

અરે! કેટલાક તો મને ‘ગંગામાં’ વહાવવા માંડ્યા. એકઝાટકે મારી હસ્તી હતી ન હતી થઈ ગઈ. ‘હજાર કા નોટ બેવફા હૈ’ એ‌વી મારી બદનામી થઈ ગઈ. ક્યા સે ક્યા હો ગયા? હું કાગળમાંથી નોટ બની અને નોટમાંથી ફરી કાગળ બની ગઈ. શું મારા એ સોનેરી દિવસો ફરી પાછા આવશે? ઓ દાઢીવાળા કાકા ‘મગનું નામ મરી તો પાડો.’

– © Vinay Dave